પ્રેમ એ બધા સંબંધોનો પાયો છે. પ્રેમ વગર જીવન ની કલ્પના કરવી મુશ્કેલ છે. પ્રેમ એક એવી લાગણી છે જે માત્ર શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતી નથી પણ દરેક સંબંધો માં સુખ અને દુઃખ ની પરિસ્તિથી એક બીજા પ્રત્યે ની સંવેદના, હૂંફ લાગણીઓ અને વિશ્વાસ મારફતે અનુભવી શકાય છે. જ્યારે જીવનમાં પ્રેમ જ બધું છે, ત્યારે આ અમૂલ્ય લાગણીને પણ સમય આપવો જરૂરી બની જાય છે.
આપણે સૌ સાથે મળીને દિવાળી, નવું વર્ષ , હોળી, અને રાખી જેવા તહેવારો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ થી ઉજવીએ છીએ, જે આપણી ધાર્મિક અને પરિવાર પ્રત્યે ની ભાવનાઓ ને પ્રતિબિંબિત કરે છે. એજ રીતે પ્રેમ ની લાગણી વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી, પરંતુ સમયની સાથે ક્યાંક ને ક્યાંક તે જરૂરી બની ગયું છે, જેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. દુનિયાના દરેક બંધન પ્રેમ સાથે જોડાયેલા છે, જેથી એક બીજા પ્રત્યે ની પ્રેમ ની લાગણી વ્યકત કરવા માટે, વેલેન્ટાઈન ડે ને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

વેલેન્ટાઈન દિવસ ને પ્રેમ દિવસ પણ કહેવામાં આવે છે, જે ખાસ કરીને પ્રેમી યુગલો અને પતિ પત્ની ઉજવતા હોય છે. પરંતુ સમય થી સાથે દરેક સંબંધ માં તેની ઉજવણી થવા લાગી છે વેલેન્ટાઈન દિવસ માત્ર એક દિવસ માટે નહીં, પરંતુ આખા અઠવાડિયા માટે ઉજવવામાં આવે છે.
આવો, હવે જાણીએ પ્રેમી યુગલોના આ ખાસ તહેવાર "વેલેન્ટાઈન ડે" વિશે રસપ્રદ વાતો.
"વેલેન્ટાઇન" નો અર્થ શું છે?
સરળ શબ્દ માં કહીયે તો "વેલેન્ટાઈન" એટલે પ્રેમ, સ્નેહ, મમતા, ભાવ, પ્રીતિ, આકર્ષણ અને ભક્તિ. માતા-પિતા, ભાઈ-બહેન, પતિ પત્ની, પ્રેમી, પ્રેમિકા અને મિત્રો, આ દરેક સંબંધ માં વેલેન્ટાઈન ની અનુભૂતિ થતી હોય છે, કારણ કે પ્રેમ અને સ્નેહ વિના કોઈપણ સંબંધ ટકાવી રાખવો લગભગ મુશ્કેલ છે. આપણા જીવનમાં તમામ સંબંધો માં પ્રેમ અને સ્નેહ નામનું ઉદીપક આ સંબંધો ને એક તાંતણે બાંધી રાખે છે.
"વેલેન્ટાઇન ડે" શા માટે ઉજવવામાં આવે છે? તેની શરૂઆત કઈ રીતે થઈ ?
"વેલેન્ટાઇન" એ એક પાદરી (ચર્ચ ના પૂજારી ) નું નામ હતું, જે રોમમાં રહેતા હતા. રોમ માં એ સમયે ક્લાઉડિયસ નામના રાજાનું શાસન હતું. ક્લાઉડિયસ એક શક્તિશાળી શાસક બનવા માંગતો હતો, તેથી તેણે એક મોટી સેના બનાવી. જ્યારે તેણે જોયું કે રોમન પુરુષ નાગરિક સૈન્યમાં જોડાવા માંગતા નથી, ત્યારે તેણે એક નિયમ બનાવ્યો કે જ્યાં સુધી કોઈ સૈન્યમાં જોડાય નહીં ત્યાં સુધી કોઈ લગ્ન કરી શકશે નહીં.પરંતુ, પાદરી વેલેન્ટાઈન અને કેટલાક લોકો ને તે ગમ્યું નહીં, પરંતુ શાસકની સામે કોઈ કંઈ બોલી શક્યું નહીં. એક દિવસ, એક યુગલ પાદરી પાસે આવ્યું અને કહ્યું કે તેઓ લગ્ન કરવા માંગે છે. પાદરી વેલેન્ટાઈને ચૂપચાપ બંનેના લગ્ન એક બંધ રૂમમાં કરાવી દીધા. પરંતુ જ્યારે શાસકને ખબર પડી, તેણે પાદરી વેલેન્ટાઇનને જેલમાં પૂર્યા, અને તેને મૃત્યુદંડની સજા ફટકારી. શાસકના આ નિર્ણયથી લોકો ખૂબ નારાજ થયા અને વિરોધ કરવા લાગ્યા અને પાદરી ને મુક્ત કરવાની પ્રાર્થના કરવા લાગ્યા.

લોકો જેલમાં પાદરી વેલેન્ટાઈનને મળવા આવતા અને તેમને ગુલાબ અને અન્ય ભેટ ઉપહાર આપતા હતા. આ લોકો બધાને કહેવા માંગતા હતા કે પૂજારીએ બંને પ્રેમીઓ સાથે લગ્ન કરાવીને ખૂબ જ સારું પગલું ભર્યું છે, જે આવનાર સમય માં નવા પ્રેમીઓ ને લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરશે. પરંતુ પાદરી વેલેન્ટાઈન ને 14 ફેબ્રુઆરી, 269 એડી (ઈસુ ખ્રિસ્તના મૃત્યુના 269 વર્ષ પછી) મૃત્યુની સજા આપવામાં આવી.
પાદરી વેલેન્ટાઈને મરતાં પહેલાં, તેને પ્રેમ કરનારાઓને એક પત્ર લખ્યો હતો અને જણાવ્યું કે એકબીજા ને સાચો પ્રેમ કરનાર યુગલ ને અલગ ના કરી શકાય. આવા પ્રેમી જોડા ને તેનો અધિકાર આપવા માટે પાદરી વેલેન્ટાઈને સ્વેચ્છાએ પોતાનો જીવ આપી દીધો. પાદરી વેલેન્ટાઇન ના આ પ્રેમને જીવંત રાખવા માટે ના બલિદાન ને યાદ કરવા માટે 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી અને ત્યાર થી જ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન દિવસ ને સંત વેલેન્ટાઈન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.જોકે સમય ની સાથે તેમાં ઘણા પરિવર્તનો આવ્યા અને આજના સમય માં ખૂબજ વૈભવી અને ભવ્ય રીતે, ખૂબજ મોંઘીદાટ ભેટ સોગાદ ની આપલે કરીને તેને ઉજવવાની જાણે કે હોડ લાગી હોય તેમ લાગે છે.
વેલેન્ટાઇન વીક
વેલેન્ટાઈન દિવસ ની ઉજવણી 7 દિવસ પહેલા શરૂ થાય છે, જે 7 મી ફેબ્રુઆરી,Rose Day થી શરૂ થાય છે અને 14મી ફેબ્રુઆરી, Valentine’s Day સુધી ચાલે છે, જેને વેલેન્ટાઇન વીક પણ કહેવામાં આવે છે. આ અઠવાડિયામાં દરેક દિવસનું પોતાનું અલગ મહત્વ છે અને લોકો તેને ખૂબ જ અસરકારક રીતે ઉજવે છે.
Rose Day (7 February)

રોઝ ડે પર એકબીજા ને લાલ ગુલાબ નું ફૂલ આપીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે.
Propose Day (8 February)

પ્રપોઝ ડે પર ગુલાબનું ફૂલ આપીને તમારો પ્રેમ નો પ્રસ્તાવ કરવાનો આ શ્રેષ્ઠ દિવસ છે.
Chocolate Day (9, February)

ચોકલેટ ડે પર યુગલો તેમના સંબંધોને ચોકલેટ જેવા સ્વાદિષ્ટ બનાવવા માટે ચોકલેટ ભેટ આપે છે.
Teddy Day (10, February)

ટેડી નિર્દોષતાનું પ્રતીક છે, અને તેથી શુદ્ધ પ્રેમની યાદ માટે આપવામાં આવે છે.
Promise Day (11, February)

પ્રોમિસ ડે પર, દંપતી કોઈ પણ અપેક્ષા વિના જીવનભર એકબીજાને પ્રેમ કરવાનું વચન આપે છે અને એકબીજાને ગુલાબ નું ફૂલ આપીને શુભેચ્છા પાઠવે છે.
Kiss Day (12, February)

પ્રેમમાં રહેલા લોકો આ દિવસે એકબીજાને ચુંબન કરીને આ દિવસની ઉજવણી કરે છે.
Hug Day (13, February)

હગ ડે ના દિવસે યુગલ એકબીજાને હળવા આલિંગન આપીને પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
Valentine’s Day (14, February)

વેલેન્ટાઈન વીક નો આ છેલ્લો દિવસ છે, જેને વેલેન્ટાઈન ડે કહેવામાં આવે છે, આ દિવસે બધા યુગલ આખો દિવસ એકબીજા સાથે વિતાવે છે.
આ રીતે, એક અઠવાડિયા સુધી, દરેક વ્યક્તિ તેમના જીવનસાથી, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવે છે અને પાદરી વેલેન્ટાઈન ના પ્રેમ માટેના બલિદાન ને યાદ કરે છે અને તેનું સન્માન કરે છે.
વેલેન્ટાઈન દિવસ ની ઉજવણી એ તમારા પ્રિયજનોને બતાવવાનો સમય છે કે તમે તેમની કેટલી કાળજી લો છો. આજનો દિવસ એકબીજા પ્રત્યે પ્રેમ, સ્નેહ જવાબદારી અને લાગણીઓથી ભરેલો દિવસ બની ગયો છે. સાચું કહું તો આજના આ પ્રેમ દિવસ ની ઉજવણી કરવાનો ઉદેશ છે -
- તમારા જીવનસાથી પ્રત્યે તમારા પ્રેમને વધુ મજબૂત બનાવવા માટે,
- તમારા પ્રેમી સાથેના તમારા નવા સંબંધને અતૂટ બનાવવા માટે,
- તમારા મિત્રો સાથે નજીક આવવા માટે,
- તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધોને મજબૂત કરવા.
વેલેન્ટાઇન દિવસ ની ઉજવણી કઈ રીતે કરશો?
તમારા આ દિવસ ને ખાસ બનાવવા માટે, અમે અહીં કેટલાક સૂચનો કર્યા છે જેનો અમલ આપ કરી શકો છો.
- તમે તમારા પોતાના હાથે લખીને એક સુંદર પ્રેમ પત્ર આપી શકો છો. તમે સુંદર પ્રેમ શાયરી પણ શેર કરી શકો છો.
- જ્યાં તમે પ્રથમ વખત મળ્યા હતા તે જગ્યા એ ફરવા જઈ ને તમારા પ્રેમ ની પ્રથમ વાતોનુ નું સંસ્મરણ કરી શકો છો.
- તમે કોઈ સારી રોમેન્ટિક મૂવી જોવાનો પ્લાન પણ બનાવી શકો છો.
- તમે તમારા વેલેન્ટાઇન સાથે બાઇક રાઇડ અથવા લાંબી કાર રાઇડ માટે જઈ શકો છો.
- તમે અને તમારા જીવનસાથી એક સરસ રોમેન્ટિક પ્રવાસ પર જઈ શકો છો.
- તમે કેન્ડલ લાઈટ ડિનર નું આયોજન કરીને તમારા વેલેન્ટાઇનને એક સુંદર વેલેન્ટાઇન કાર્ડ આપી શકો છો.
- તમે તમારા જીવનસાથી સાથે ઘરે રહી ને પણ તમારા પ્રેમ ની સુંદર પળો નું સંસ્મરણ કરી શકો છો.
- તમે તમારા નજીકના મિત્રો સાથે ઘરે પાર્ટીનું આયોજન કરી પ્રેમ ગીતો ની અંતાક્ષરી નું આયોજન કરી શકો છો..
- તમે તમારા વેલેન્ટાઈનને ખાસ ગિફ્ટ જેવી કે ગુલાબ, ફૂલ, ચોકલેટ, જ્વેલરી, રોમેન્ટિક ગિફ્ટ સેટ આપીને તમારા પાર્ટનરને ખુશ કરી શકો છો.
- તમે તેનું મનપસંદ ગીત ગાઈને અથવા વગાડીને તેનું દિલ જીતી શકો છો.
અમે ગુજરાતીમાં લવ શાયરી પર ખૂબ મોટો સંગ્રહ પ્રકાશિત કર્યો છે જે તમે આ ખાસ દિવસે તમારા નજીકના અને પ્રિયજનો સાથે વાંચી અને શેર કરી શકો છો.
વેલેન્ટાઈન દિવસ ઉજવણી ની કેટલીક પ્રતીકાત્મક તસવીરો




યાદ રાખો, આ દિવસે તમારા જીવન સાથી સાથે, સમય વિતાવવા કરતાં મોટી ભેટ કોઈ નથી. ભેટ સોગાદ ગમે ત્યારે પણ આપી શકાય, પરંતુ આજ ના દિવસ નો આંનદ ક્યારેય નહીં. ગુજરાતી શાયરી ની પ્રસ્તુત પંક્તિઓ ઘણું બધું કહી જાય છે.
દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જીંદગી છે..!!
પલમાં વહી જશે આ જિંદગી,
બસ શબ્દો જ મારી યાદ અપાવશે,
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં પણ,
તારા વગર મારાથી કેમ જીવાશે..!!
અહીં આંખના પલકારામાં, વીતે છે જીંદગી,
તું રાહ જોઇશ રાતની, તો સપના અધૂરા રહી જશે..!!
ખીલી ગઈ જીંદગી પુષ્પ રૂપી,
મળ્યું ખાતર, પાણી ને ઓજ, તમારા ‘ સ્નેહ ‘ રૂપી..!!
ચાલો હવે જાણીએ વેલેન્ટાઈન દિવસ સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો.
- વેલેન્ટાઈન દિવસ ના દિવસે વિશ્વભરમાં 6 લાખ સગાઇ થાય છે.
- લોકો અન્ય તહેવારો કરતાં વેલેન્ટાઈન ડે ના દિવસે સૌથી વધુ કાર્ડ મોકલે છે.
- પ્રેમ ની નિશાની તરીકે વેલેન્ટાઈન ડે પર સૌથી વધુ લાલ ગુલાબ આપવામાં આવે છે.
- વેલેન્ટાઈન ડે ના આ ઉત્સવ માં દુનિયા ભર માં લોકો 20 અરબ ડોલરનો ખર્ચ કરે છે જે માં મુખ્યતવે વેલેન્ટાઈન ડે કાર્ડ, ગુલાબ, ફૂલો, મીઠાઈઓ અને હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવા માટે નો ખર્ચ સમાવેશ થાય છે.
- દર વર્ષે ઓછામાં ઓછા અંદાજે 15 કરોડ વેલેન્ટાઇન ડે કાર્ડ ની આપલે કરવામાં આવે છે.
- દર વર્ષે ઓછામાં ઓછા 4 કરોડ દિલ ના આકારના ચોકલેટ બોક્સ આપવામાં આવે છે .
- વેલેન્ટાઇન ડે મુખ્યત્વે અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ, મેક્સિકો અને દક્ષિણ કોરિયામાં ઉજવવામાં આવે છે.
- સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, મલેશિયા, ઈરાન, અને પાકિસ્તાન જેવા દેશોમાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવતો નથી.
વેલેન્ટાઈન ડે ઉપર ની આ વિસ્તૃત પ્રસ્તુતિ આપને કેવી લાગી એ વિષે કોમેન્ટ માં જણાવશો અને તમારા મિત્ર મંડળ મોં શેર કરજો જેથી અમે પ્રોત્સાહિત થઇ ને આપના માટે બીજા સુંદર વિષયો ઉપર વિશેષ માહિતી અને તથ્ય આપની સામે રાખી શકીયે.
આપનો આભાર સહ,
I am Gujarati